DHARMIK

અઠવાડિયાના કયા દિવસે કરવામા આવે છે કયા ભગવાનની પૂજા , ચાલો જાણીએ

સનાતન ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવાનું મનાય છે. દૈવીય શક્તિઓને ભગવાને મનુષ્યની અલગ-અલગ ઈચ્છાઓને પૂર્ણ કરવાનું કામ સોંપેલું છે. દરેક દિવસનુ પોતાનું ખાસ મહત્વ હોય છે પરંતુ અમુક દિવસોમાં વિશેષ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે તો સાંસારિક મનોકામનાઓની પૂર્તિ થાય છે. અઠવાડિયાના સાત દિવસ પણ અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે, તો ચાલો જાણીએ તેમની પૂજા કરવાથી શું ફાયદા થાય છે.

રવિવાર: રવિવારને ભગવાન સૂર્યદેવ નો વાર કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવું, ઘી-તેલ અને મીઠા નો ત્યાગ કરવાથી સારું ફળ મળે છે. રવિવારે લાલ રંગના કપડા પહેરો, લાલ ચંદન નો ચાંદલો લગાવવો અને લાલ રંગના ફળ-ફૂલ સૂર્યનારાયણ ભગવાનને અર્પિત કરીને ગરીબોમાં વહેંચી દેવુ.

સોમવાર: સોમવારનો દિવસ દેવોના દેવ મહાદેવ અને ચંદ્ર ગ્રહ ને સમર્પિત કરવામાં આવે છે. કુવારી કન્યા મનગમતા જીવનસાથી માટે આ વ્રત રાખે છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું વિશેષ ફળદાયી છે.

મંગળવાર: મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ ગ્રહ ને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી જીવનમાં ક્યારેય પણ અમંગલ થતું નથી. આ દિવસે લાલ કલરના વસ્ત્રો પહેરવા જોઇએ. હનુમાનજીને ગોળ, ચણા અને લાલ રંગની મિઠાઇનો ભોગ લગાવાથી શનિ અને મંગળ ગ્રહની શુભ દાયકત્વતા મળે છે.

બુધવાર: બુધવારના દિવસને શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશ અને બુધ ગ્રહના માટે નિયત કરવામાં આવે છે. આ દિવસ ના રોજ લીલા કલરના કપડા પહેરવા શુભ મનાય છે. મગની દાળ, ઘી તથા દહીનું દાન કરવાથી સમાજમાં આત્મસન્માન વધે છે અને બુદ્ધિ તેજ થાય છે.

ગુરૂવાર: ગુરુવાર એટલે કે બૃહસ્પતિ વાર, દેવોના ગુરુ બૃહસ્પતિ અને શ્રીહરિ વિષ્ણુને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી ધન,પુત્ર અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પીળા કલરના કપડાં પહેરવા અને પીળી વસ્તુઓનું દાન કરવું શુભ હોય છે.

શુક્રવાર: આ દિવસ મહાલક્ષ્મી, દુર્ગાદેવી, વૈભવ લક્ષ્મી, સંતોષી માતા અને શુક્ર ગ્રહનો હોય છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. શુક્રવારના દિવસે ઘરમાં ખીર બનાવીને ગરીબોમાં વહેંચવા થી ભંડાર ભરેલો રહે છે.

શનિવાર: આ દિવસ નું પ્રાધાન્ય તો શનિદેવની હોય છે પરંતુ હનુમાનજીની પણ આરાધના ફળદાયી હોય છે. કાળા કલરના વસ્ત્ર પહેરવા ની સાથે સાથે કાળી વસ્તુઓનું ગરીબોમાં દાન કરવું જોઈએ. ઘરમાં દિલ થી બનતી વસ્તુઓ બનાવીને મજૂર લોકોમાં વહેંચવી જોઈએ.